Skip to main content

હજાર ચોર્યાસીની મા નવલકથાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો


પ્રશ્ન-1 હજાર ચોર્યાસીની મા નવલકથાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો.(ગુજ.સેમ-5 પે.નં-16)
ભૂમિકા-
       બંગાળી સાહિત્ય એ એક કરતાં અનેક રીતે વિશિષ્ટ રહ્યું છે. ગીતાંજલિથી માંડીને આપણે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનને યાદ કરી શકીએ. એ જ રીતે બંગાળી સાહિત્ય બહુધા વાસ્તવિક સાહિત્ય રહ્યું છે. કલ્પનાની કથા કરતાં વધુ સામાજિક સમસ્યાઓની રંગે રંગાયેલી કવિતાઓ અને કથાઓ સાથે એમને વધુ નિસ્બત જોઇ શકાય છે. એ જ રીતે પ્રસ્તુત લઘુનવલકથાનાં લેખિકા મહાશ્વેતા દેવી પણ પોતાની મોટી નોકરી છોડી સામાજિક સમસ્યાઓને ઉકેલવા સેવાસંસ્થાઓની સાથે જોડાયા. એમની કથાસૃષ્ટિની કેન્દ્રવર્તી કથાઓ નકસલીઓ કે આદિવાસીઓ કે બહુજનસમાજની સમસ્યાઓ જ રહી છે. અગ્નિગર્ભ નવલકથા હોય કે રુદાલી ફિલ્મકથા હોય આ લેખિકા જુદી માટીની અને સાહિત્યનાં સાચાધર્મને પોતાની જવાબદારી સમજીને કલમ ચલાવતી સર્જક છે. આપણે અહીંયા, હજાર ચોર્યાસીની મા લઘુનવલ વિશે ચર્ચા કરીશું.
કથાવસ્તુ-
        કોઇપણ કથામાં એની ઘટના કે કથાવસ્તુ એ એનું કરોડરજ્જૂ છે. જેમ માણસ કરોડરજ્જૂ વિના ઉભો કે બેઠો રહી શકે નહીં એમ કોઇપણ નવલકથા એ કથાવસ્તુ કે વિષયવસ્તુ કે ઘટનાઓ કે બનાવ વિના ઉભી રહી શકે નહીં. આ નવલકથા વાસ્તવિકતા કે હકીકતલક્ષી લઘુનવલ છે. માત્ર ચાર જ નાનકડાં વિભાગ કે ખંડમાં કહેવાયેલી આ કથા છે.
મૂળ લેખિકા મહાશ્વેતાદેવીની જ્ઞાનપીઠ એવોર્ડ સન્માનિત આ કૃત્તિ છે. ગુજરાતીમાં આ નવલકથાનો અનુવાદ નિસ્પૃહા દેસાઇ છે. આ નવલ થોડા વર્ષો પહેલાં વડોદરા યુનિવર્સિટીનાં અભ્યાસક્રમમાં પસંદગી પામી હતી. આ નવલ ઉપરથી આ જ શીર્ષકની ફિલ્મ પણ બની છે. માતૃભારતી સાપ્તાહિકમાં હપ્તે-હપ્તે (ધારાવાહિક) સ્વરુપે પ્રગટ થયેલી હતી. મેગ્સેસ એવોર્ડથી સન્માનિત લેખિકા મહાશ્વેતા દેવી આપણી સામાજિક સમસ્યાઓનાં મૂળમાં રાજનૈતિક સ્વાર્થ અને દંભી કે પાખંડી વાણીવિલાસને ગણાવે છે. આ કૃત્તિ એ રીતે જુદી પડતી જોઇ શકાય છે.
           ચાર નાનકડાં વિભાગ કે ખંડ કહેવાયેલી આ કથા છે. વાસ્તવિક કથા છે. સવાર, મધ્યાહન, સાંજ અને રાત એમ ચાર નાનકડાં ખંડ અને માત્ર એકસો બાર પાનામાં પૂરી થઇ જતી કથા છે. માતા સુજાતા અને પિતા દિવ્યનાથ ઉચ્ચમધ્યમવર્ગીય કુટુંબનો યુવાન દીકરો વ્રતી કથાનો નાયક છે. આ દંપત્તિને બીજાં ત્રણ સંતાનોમાં જ્યોતિ મોટો પુત્ર (પત્નિ બીની સંતાન સુમન), બીજી દીકરી નીપા (પતિ અમીત) અને નાની સ્વછંદી દીકરી તુલી છે. જે દાદી જેવી જ આખાબોલી અને ક્રોધી પણ છે. દિવ્યનાથ માતાનું કહ્યું વધુ માને છે. માતા (સુજાતાનાં સાસુ દીકરાને સાચા મર્દની જેમ રહેવા-સસરાની જેમ ક્યારેય સાંજે-રાતે ઘેર ન રહેવા ને પુરુષવાદી અહંકારી માનસને વધુ વિકસાવે છે.) દીકરા દિવ્યનાથની અન્ય સ્ત્રીઓ સાથેનાં સુવાળાં સબંધને સ્વીકારે છે. એને એમાં ક્યાંય ખોટું લાગતું નથી. દિવ્યનાથનાં ત્રણેય સંતાનો પિતાપક્ષી છે. દાદીનાં વિચારવાળાં જ છે. ઘરમાં સુજાતા અને એનો નાનો દીકરો વ્રતી વધુ નજીક છે. સાચા ને સારા માણસ છે.
        આટલી પ્રાથમિક ભૂમિકા બાદ હવે કથા શરુ થાય છે. જેમાં સવાર, મધ્યાહન, સાંજ અને રાત રુપે કથા વિકસે છે. આ લઘુ નવલકથા નક્કર વાતવિકતા અને સામાજિક-રાજકિય હકીકતની અને નકસલી સમસ્યા કેન્દ્રી છે.
        સવારમાં શરુઆતમાં ત્રેપન વર્ષે પહોંચેલી સુજાતાને એકવીસ વર્ષ પહેલાંની દીકરા વ્રતીનાં જન્મ દિવસની યાદ આવે છે. વ્રતીનાં (ચોથું સંતાન) કે અન્ય કોઇપણ પહેલાનાં સંતાનનાં જન્મ સમયે એનો પતિ એની સાથે કે પાસે પણ હાજર નથી રહ્યો. સાસુ કહે આ કુટુંબની આ ખાનદાની છે. સ્ત્રીએ પોતાનાં દુખ પોતાની રીતે જ સહન કરવાં જોઇએ. ત્યારે નોકરાણી હેમ સાથે રહે છે. જ્યોતિ દસ વર્ષનો નીપા આઠ વર્ષની અને તુલી છ વર્ષની. બાદમાં વ્રતીનો જન્મ. બે વર્ષ બાદ ફરીથી દિવ્યનાથ સુજાતાને સમજાવે છે કે હજી મારે સંતાન જોઇએ. તારે મા બનવાનું છે. પણ સુજાતા પહેલીવાર ના પાડે છે. દિવ્યનાથને ના ગમ્યું. એ એક ટાઇપિસ્ટ યુવતી સાથે હોટલમાં રંગીન રાતો ગુજારે છે. એ કંપનીમાં કામ કરતો. હવે દલાલી કરી પૈસા કમાય છે. સાસુ પણ એક દીકરા દિવ્યનાથને જન્મ આપી વિધવા થયેલી હતી. સુજાતા જેટલી કાળજી પતિની લે છે એની સામે એનો પતિ એની ક્યારેય કશી જ દરકાર પણ કરતો નથી. સસરાનાં સમયથી જ અન્ય સ્ત્રીઓ સાથે શરીર સબંધ બાંધવા અને રંગીન રાતો માણવી એ આ કુટુંબનાં સંસ્કાર ગણાય છે. સુજાતા અન્યની જેમ પોતાનાં આ ચોથા સંતાનનો ઉછેર કરવા માંગતી નથી. તા.17 જાન્યુઆરી ઇ.સ.1948નાં દિવસે વ્રતીનો જન્મ. આજે એકવીસ વર્ષની સુજાતાને યાદ આવે છે કારણ કે, સિપાહીનાં થાણા (કાંટાપૂરમ)માંથી ફોન આવ્યો છે. વ્રતી ચેટરજી, તમને શું થાય ? દીકરો ? હા. તો તાત્કાલિક અહીંયા આવી જાઓ. સમાચાર છુપાવવા દિવ્યનાથ ખૂબ દોડધામ કરી બીજાં દીવસનાં દૈનિકપત્રમાં પોતાનાં દીકરા વિશેનાં સમાચાર અટકાવી દે છે. પણ જેની કૂખે કોઠે નવમહિનાં રહ્યો એ સુજાતાનાં સંસ્મરણોનું શું ? ત્રણ વર્ષનાં વ્રતીનો થયો ત્યારે બેંકમાં ક્લાર્ક તરીકે નોકરીમાં જોડાયેલી. ત્રણ માળનો બંગલો પણ સૌ પોતપોતાની રીતે રહેતાં. વર્તન-વ્યવહાર કરતાં હતાં. ગોરો દૂબળો મુલાયમ વાળવાળો ને સત્યની લડત લડતાં યુવાસંગઠનનો સભ્ય બન્યો હતો વ્રતી. એની છાતીમાં ત્રણ ગોળીનાં નિશાન છાતી ઉપર પેટ ઉપર અને ગરદન ઉપર. પાંચ લાશમાં સમુ વિજિત પાર્થ અને લાલટું ઉપરાંત વ્રતી પણ છે. 
       પોતાનાં હક્ક અને અધિકાર માટે આ યુવાસંગઠન લડત ચલાવે છે. એમાં નંદિની નામની યુવતી સાથે વ્રતી એક અધિકાર પત્રિકા ચલાવે છે. જે સરકાર વિરુધ્ધ છે. આ સંગઠનમાં એક યુવાન નીતૂની સાથે હમણાં થોડાં દિવસ પહેલાં જ અનિદ્ય નામનો યુવાન જોડાયો છે. જેને પક્ષપલટો કર્યો છે. એ જાણભેદુ બની સરકાર અને સિપાહીને બાતમી પહોંચાડે છે. આમ આ યુવાનો સરકાર અને સિપાહીની અમાનુષી ક્રુરતાનો ભોગ બને છે. એની ક્રુર હત્યા થાય છે. માતા સુજાતાએ પોતાનો દીકરો ગુમાવ્યો એનું દુખ છે. ઘરનાં બીજાં માણસોને એમાં બહુ રસ પણ નથી. મધ્યાહને સુજાતા વ્રતીની સાથે જ હત્યા થયેલાં સમુને ઘેર જાય છે. સાંજે નંદિનીની ઘેર જાય છે. રાત્રે ઘેરે પાર્ટી છે. એમાં સફેદ કપડાં સાથે કાળી શોકની રાતમાં ઘેરા સ્મરણોમાં ઘેરાય છે. આમ પોતાનાં પુત્રની જન્મદિવસની પૂર્વ સંધ્યાએ વ્રતીનો જન્મ અને ઉછેર સાથેનાં સંસ્મરણો અને બાદમાં પોતાનાં અસ્તિત્વ માટે ઉચ્ચ ખાનદાન કહેવાતા કુટુંબમાં સ્ત્રી હોવાનું કે માતા હોવાની વ્યથાકથાનું ચિત્રણ અહીંયા જોઇ શકાય છે. એક માતાની એક સ્ત્રીની વિષાદકથા કે વિલાપકથા કે સ્ત્રી હોવાનો પર્યાય જ વ્યથાકથાનું પ્રતીક બને છે આ હજાર ચોર્યાશીની મા નવલકથા. એમાં આપણને એક લઘુનવલકથાનાં તમામ લક્ષણો પણ જોવા મળે છે. એ રીતે કથા વાસ્તવિકતાની કે હકીકતની વાત લઇને આવે છે. કાલ્પનિક કે રંગીન પ્રણયકથા નથી. લેખિકા પોતાની કલમનો સાચો ધર્મ અને કર્મ સમજે છે. કોઇની ઓશિયાળી એની કલમ નથી. પશ્ચિમ બંગાળની સરકારે મહાશ્વેતા દેવીને અનેક રીતે હેરાન પરેશાન કર્યા. પણ પોતાનાં અધિકાર કે નારીચેતનાની વાત-વિચારને દગો નથી દીધો મહાશ્વેતાદેવીએ. આમ હજારચોર્યાશીની મા એક આસ્વાદ્ય નવલરચના છે.
પાત્રસૃષ્ટિ-
         કોઇપણ નવલકથામાં પાત્રસૃષ્ટિ એ એનું અભિન્ન અંગ છે. કથાને ટેકો આપવા પાત્ર જરુરી છે. પાત્ર એ કથાને અને કથા એ પાત્રને આગવી ઓળખ આપે છે. આ નવલકથામાં મુખ્ય પાત્ર તરીકે વ્રતી અને સુજાતાને જ ગણી ગણાવી શકાય. સુજાતા દિવ્યનાથની પત્નિ છે. સુશીલ અને શાણી છે. સહનશીલ અને સંવેદનશીલ છે. લાગણીશીલ અને લજ્જાશીલ છે. મમતા અને સમતાથી નિખરતું પાત્ર છે. ઉચ્ચમધ્યમ સુખી કુટુંબની વહુ છે. સાસુ અને પતિનાં તાબા હેઠળ જીવવું પડે છે. ચાર-ચાર સંતાનની માતા છે. વડીલ સાસુ તો એનાં ઉપર રોફ જમાવે છે તો પતિ પણ વારંવાર મર્દપણું બતાવે છે. અરધામાં પુરુ કે નાની દીકરી તુલી સાથે પણ વારંવાર ચકમક ઝરે છે. એકલતા અને એકાંતમાં આંસુ સારી લેતી સન્નારી છે. એમની ચાર-ચાર પ્રરુતિમાં ક્યારેય પતિ હાજર કે સાથે પણ રહ્યો નથી. વ્રતીને બાદ કરતાં કુટુંબનાં કોઇ એની સાથે આત્મિયતાથી વર્તતા નથી. હેમ નામની નોકરાણી સાથે રહે છે. પતિ રંગીલો છે. એક ટાઇપિસ્ટ યુવતી સાથે ખુલ્લે આમ ફરે છે. સુજાતા દુખી છે. પણ એની સાથે કોઇ ઉભુ રહેતું નથી. બધી પીડાઓ કુટુંબ માટે ભોગવતી સુજાતા ઓરામાયું અને ઓશિયાળું જીવન જીવે છે.
      વ્રતી ચાર વર્ષનો થયો બેંકમાં નોકરી કરવા લાગી જાય છે. હવે ઘરકામની સાથે નોકરીની પણ જવાબદારી છે. દીકરો વ્રતી પોતાનાં કુટુંબનાં આ વ્યવહારથી બહારનાં મિત્રો સાથે વધુ આત્મિયતાથી વર્તે છે. કોઇ ભાઇભાંડું એની સાથે બહુ બોલતા નથી. જાણે કે ઉપકાર કરવા પૂરવા જ બોલે-બોલાવે છે. સાસુ અને પતિ તેમ જ વ્રતી સિવાયનાં કુટુંબનાં સભ્યોથી તડછોડાયેલું પાત્ર છે સુજાતા. આજે એની ઉંમર ત્રેપન વર્ષની છે. એકવીસ વર્ષ પહેલાં બત્રીસ વર્ષની ઉંમરે વ્રતીનો જન્મ થયેલો. પોતાનાં હક્ક-અધિકાર માટે સરકાર અને સિપાહીને હાથે અન્ય ચાર મિત્રો સાથે એનું એંકાઉંટર થાય છે. લાશ પડી છે. થાણામાંથી ફોન આવે છે. સુજાતાને આઘાત લાગે છે. આજથી એકવીસ વર્ષ પહેલાં અ મૃત દીકરા વ્રતીનો જન્મ. પીડા ભોગવતું શરીર. સાથોસાથ એપેંડિક્સનો દુખાવો. પાંચમા સંતાન માટે સુજાતા ના પાડતા પતિએ અબોલા લીધાં. દુશ્મન બની સુજાતા. ચોથું સંતાન સિપાહીનાં હાથે ક્રુરતાથી મોતને ભેટે છે. સુજાતા કોની પાસે દુખ ગાવા કે કહેવા જાય. એકલી પડી ગયેલી મા સુજાતા  અન્ય મૃત્યુ પામેલાં વ્રતીનાં મિત્રોને ઘેર શાંતવના આપવા જાય. ત્યાં વ્રતી વિશે ઘણું જાણે. નંદિની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. પણ પોલિસ કસ્ટડીમાં આ દરેક ઉપર અમાનુષી અત્યાચાર થયેલો. નંદિનીની આંખે અંધાપો આવી ગયો. મોટો દીકરો જ્યોતિ એની પત્નિ બીની અને પુત્ર સુમન સાથે સુખકેન્દ્રી બનીને જીવે છે. બીજી દીકરી નીપાનાં લગ્ન અમીત સાથે થયાં છે. પણ એ ફોઇનાં દીકરા સાથે વધુ રંગરેલિયા મનાવે છે. અમિત હવે દારુડિયો બની ગયો છે. જમાઇને આ રીતે જોતો દિવ્યનાથ રાજી થાય છે. કહે છે પુરુષ આવો જ હોવો જોઇએ. સાસુ પણ દીકરા દિવ્યનાથને કહેતી-તારો બાપ ક્યારેય રાતે ઘરમાં નહોતો રહેતો. પુરુષ તો મર્દ જ હોવો જોઇએ. સાસુએ પણ સસરા સાથેનાં દાંપત્યમાં સુખ ભાળ્યું નથી.
         કદાચ આ કુટુંબ બે રીતે વહેંચાયેલું છે. એક તરફ સુજાતા અને વ્રતી. બીજી તરફ સાસુ દિવ્યનાથ જ્યોતિ નીપા તુલી વગેરે. તુલી માટે જે કુટુંબ અને મુરતિયો દિવ્યનાથે શોધ્યો છે એ પૈસે ટકે સુખી છે. પણ રંગીન જિંદગીનું એ કુટુંબ. વિદેશમાં રહેતા ધર્મગુરુનાં ખોળે રહેવું એમને ગમે છે. શરાબ-સુંદરી-શરીરનાં ભોગીઓનો શંભુમેળો છે. વ્રતીનાં મૃત્યુ બાદ નંદિની સંદીપ નામનાં યુવાન સાથે લગ્ન કરવાનું મનોમન વિચારે છે. સુજાતાને એની માતા-પિતાએ આપેલાં ઘરેણાં ઉપર તુલી અને નીપાની નજર છે. એ માટે વારંવાર ઝઘડો પણ કરે છે. સરોજપાલ, ટોની (તુલીનો પતિ), સમી, દીપૂ, નીતૂ, હેમ, મૌલી, પત્રકાર, પુરોહિત, સમુ, પાર્થ, વિજિત, લલટૂ, અંતૂ, સંચયન અને બીજા પણ અનેક ગૌણ પાત્રો આવે છે. પણ એ કથાનાં ટેકેદાર કે મુખ્યપાત્રને સહાયક એવા પાત્રો છે. મુખ્યત્વે સુજાતા અને વ્રતીની આ કથા બને છે. લઘુનવલકથા હોવાથી ઓછા પાત્રો અને માત્ર ચાર જ નાનકડાં ખંડમાં કહેવાયેલી આ કથા એની પાત્રસૃષ્ટિથી વિશિષ્ટ બને છે. આ એક કુટુંબ કથા છે. સાથોસાથ બે વિચારધારા સામે ટકરાતી એક યુવાનનાં સપનાઓની કથા છે. પણ એ સપનાં પોતાનાં અધિકાર માટેનાં છે. એ લડાઇમાં પાંચ યુવાનોનો ભોગ લેવાય છે. એ રીતે કરુણકથા બને છે. સાથોસાથ એક સ્ત્રી હોવાની પીડા અને એક શબ બની ગયેલાં દીકરાની દુખકથા પણ બને છે. હદયસ્પર્શી અને ચિત્તસ્પર્શી આ કથા એની પાત્રસૃષ્ટિથી આસ્વાદ્ય છે. અહીં મુખ્ય અને ગૌણ દરેક પાત્રને પોતાની વિશેષતા અને લાક્ષણિકતા જોવા મળે છે.
ભાષાશૈલી-
         કોઇપણ સર્જક પાસે એનું ઓજાર કે હથિયાર કે શસ્ત્ર એની ભાષાશૈલી હોય છે. શબ્દ શસ્ત્ર છે. પણ એને કઇ રીતે વાપરવો ? એ સર્જકતા છે. વિષય કે વસ્તુસામગ્રી હોય પણ એનો ઉપયોગ કેમ કરવો ? એ કૌશલ્ય છે કલા છે. સાહિત્ય એક લલિત કલા છે. સાહિત્ય એ શ્રેષ્ઠ લલિતકલા છે. સાહિત્યની ભાષા વ્યવહારની ભાષા કરતાં જુદી હોવી જોઇએ. આ નવલકથા મૂળે તો બંગાળી છે. અનેક ભાષામાં એનો અનુવાદ થયો છે. એટલે આપણે અહીંયા મૂળ એવી બંગાળી ભાષાની વાત ન કરતાં અનુવાદિત કૃતિની વાત કરીએ. વડોદરાનાં નિસ્પૃહા દેસાઇએ આ નવલનો અનુવાદ કર્યો છે. ધારાવાહિક રીતે છપાયેલી આ નવલ રસિક અને રોમાંચક છે. કરુણરસ પ્રાધાન્ય છે. સુજાતા અને એનાં દીકરા વ્રતીની વ્યથા-વિષાદ-વિલાપકથા છે. કૌટુંબિકકથા કેટલી કરુણકથા બને છે ? એ પણ જોઇ શકાય છે.
         અલબત ગુજરાતીભાષા સાહિત્યની આ રચનામાં સૌથી વધુ શબ્દો ગુજરાતીનાં જ હોય એ સ્વાભાવિક જ છે. ક્યાંક છૂટક છૂટક અંગ્રેજી આવે છે. સંસ્કૃત શબ્દોની સાથોસાથ હિન્દી ને ક્યાંક બંગાળી શબ્દો પણ દેખા દે છે. કહેવતો અને રુઢિપ્રયોગોની સાથે સંવાદમાં તિવ્રતા અને તિક્ષ્ણતા લાવવા માર્મિકચિંતનની સાથે વાક્યરચના લાંબી-મધ્યમ-ટૂંકી એમ ત્રણેય પ્રકારની છે. જે અહીંનાં ચોટદાર સંવાદોમાં પણ જોઇ શકાય છે. પગલૂછણિયું, પ્યાર, ગદ્દારી, બદતમીજ, ગ્રંથીઓ, બંદૂક, નાળચું, સરિસૃપ, મધ્યાહન, દુખાવો, વાસના, ડોકટર, ઓફિસ, કમાંડર, ઇસબગુલનું પેકેટ, અનુગામિની, સત્વહીન, આઇડેંટિફિકેશન, માંસનો લોચો, ચાવી, બટન, ઢોંગ, પાર્કસ્ટ્રિટ, રુઆબ, કેંસરનો સડો, મુક્તિદશક, ટાઇપિસ્ટ છોકરી, સાંનિધ્ય, કોમરેડ, વિપ્લવ, સભા-સરઘસ, વિપક્ષ, ગપ્પા મારતો, બૉસ, લોહીની હોળી, ભૂરું ખમીસ, નાભિ, લીટર દૂધ, અસલ બાપનો બેટો હોય તો બહાર આવ !. સાલ્લાઓ ચપ્પુ ચલાવો છો ? અભાગિયા અને અપમાનિત યુવાનો, વિશ્વાઘાત, ચીકન સુપ, રખાત, એ તો ગોડ છે, ડેથ એનિવર્સરી, લીબરલ, વિસ્કી, કાળી ગાડી કાળી વાન, આક્રંદ બોદું, એપેંડિક્સ ફાટી ગયું. આમ, આવા તો અનેક શબ્દો અને વાક્યો પ્રાસંગિક બની છે. હદયસ્પર્શી બને છે, ચિત્તસ્પર્શી બને છે. વિષય અને ભાવને અનુરુપ એનો પ્રયોગ થયેલો છે. શીર્ષક અને સંવાદની પ્રતીકાત્મકતા એ પણ ભાષાકીય સંદર્ભની સફળતા જ ગણાવી શકાય. તો વર્ણનોમાં જોવા મળતી લાઘવતા પણ ભાષાકીય સિધ્ધિનું ઉદાહરણ કહેવાય. અહીં, અનુવાદ મનોમોહક અને માનભાવક બને છે. કૃતિની સફળતામાં આ ભાષાશૈલી (શબ્દપસંદગી અને શબ્દ આયોજનકલા) પણ મહત્વનો ભાગ ભજવે છે. હજારચોર્યાસીની મા એ ભાષાકલાની બાબતે સફળ રચના છે.
વસ્તુગૂંથણી કે વસ્તુ સંકલના-
         સાહિત્ય એ કલા છે. જેમાં વિષયવસ્તુનું મહત્વ તો છે જ. સાથોસાથ એ વિચાર કે વિષયવસ્તુને રજૂ કરવાની કલા પણ છે. બનાવ કે ઘટના એ કથાનક છે. પણ એ કથાનકને કહેવાની શૈલી એ કલા છે. કથાનો આરંભ મધ્યાહન અને અંત કઇ રીતે ગોઠવાયો છે. એમાં સહજતાની સાથે કેવી શૈલી કે કેવી ટેકનિક લેખકે વાપરી છે એ મહત્વની વાત છે. હજારચોર્યાસીની મા એ ચાર નાનકડાં ખંડ કે પ્રકરણમાં ચાલે છે. અર્થાત માત્ર ચાર નાનકડાં પ્રકરણમાં કહેવાયેલી આ કથા છે. સવાર મધ્યાહન સાંજ અને રાત એમ ચાર સમય વિશેષ સંદર્ભની કથા છે. ફલેશબેક પધ્ધતિથી કહેવાયેલી કથા છે.
      સવાર પ્રકરણ-1 પાના નંબર 7થી 31 મધ્યાહન પ્રકરણ-2 પાના નંબર 32થી 63 સાંજ પ્રકરણ-3 પાના નંબર 64થી 80 સુધી અને રાત પ્રકરણ-4 પાના નંબર 81થી 112માં મળે છે. લઘુનવલ છે. વસ્તુ સંકલના આ રીતે અહીંયા આવે છે
       સવાર પ્રકરણમાં ત્રેપન વર્ષે પહોંચેલી સુજાતા એનાં બત્રીસ વર્ષની ઉંમરે દીકરા વ્રતીનાં જન્મદિવસને યાદ કરે છે. પ્રસુતિ સમયે દરવખતની જેમ જ પતિનું ગેરહાજર રહેવું. ખૂબ દુખાવો ઉપડવો. મોતનાં મોંઢામાંથી ઉગરીને વ્રતીને જન્મ આપવો. સાથે હેમ નોકરાણી રહે. આજે એ દિવસ એટલે આવ્યો છે કે કાંટાપુકૂર પોલીસ થાણેથી ફોન આવ્યો છે. વ્રતી ચેટરજી તમારો શું થાય. મા સુજાતાને માઠા સમાચાર મળે છે. દીકરો વ્રતી ક્રુર રીતે મરાયો છે. એની લાશ ઓળખવા અને લેવા જાણ કરવામાં આવી છે. બાપ દિવ્યનાથ બીજે દિવસે દૈનિકપત્રમાં નામ આ આવે એ માટે લાગવગ લગાડવા દોડધામ કરી મૂકે છે. આખા પ્રકરણમાં સુજાતા-દિવ્યનાથનું કુટુંબ ઉચ્ચ-મધ્યમ કુટુંબ બે દીકરા અને બે દીકરીઓ સાસુનું વિધવાપણું અને દીકરા વ્રતી સાથે એનાં અન્ય ચાર મિત્રો વિજિત પાર્થ સમુ અને લલટુ પણ સરકાર અને સિપાહીની ક્રુરતાનો ભોગ બની એનું એન્કાઉંટર થયાનું વર્ણ આવે છે. સવાર પ્રકરણ એ રીતે શીર્ષક બન્યું.
       મધ્યાહનમાં સુજાતા વ્રતીનાં એક હત્યા થયેલાં મિત્ર સમુને ઘેર જાય છે. એનાં પરુવારને મળે છે. મૃત્યુનું કારણ જાણવા અને એ અજાણ્યાં પરિવારને શાંતવના આપવા જાય છે. નાના નાના પ્રસંગો આવે છે. ગરીબ મા-બાપનો એક સ્વપ્નશીલ દીકરો ભોગ બન્યાનું દુખ છે. સાથે દીકરા વ્રતી વિશે પણ ઘણું ઘણું જાણે છે. સમુનાં ગરીબ ઘરની વ્યથાકથાનું લેખિકાએ સુંદર વર્ણન કર્યું છે. કંપારી છૂટી જાય અને સરકારી તેમ જ કોમી હુલ્લડ સમાન નિષ્ઠર તંત્રનાં વર્ણનો સારા અને સાચા ભાવકને અંદરથી હચમચાવી મૂકે છે. લેખિકાની વર્ણનકલા દાદ દે તેવી છે. પોતાનાં હક્ક-અધિકાર માંગતા આ યુવાનો શું ખોટા હતાં ખોટા માર્ગે હતાં ના પણ સરમુખત્યાર શાસન અને સ્વાર્થી શાસન વ્યવસ્થા એની ક્રુરતાનો પરિચય કરાવે છે. સવાલદાર માણસ ક્યારેય ધર્મસત્તા કે રાજસત્તાને ગમતો જ નથી. એને દુશ્મન ગણી કોઇપણ ષડયંત્રમાં સંડોવીને એની હત્યા કરાવી નાખતી રાજસત્તાનું વરવું આ ચિત્રણ અહીંયા જોઇ શકાય છે.     
       સાંજ એ ત્રીજા પ્રકરણમાં સુજાતા દીકરા વ્રતીની ચળવળ કે આંદોલન સાથે જોડાયેલી યુવતી નંદિતાને ઘેરે જાય છે. એને મળીને આંદોલન વિશે ઘણું ઘણું જાણે છે. વ્રતી ઘર છોડવાનો હતો વ્રતીનાં કુટુંબમાં શું ચાલતું હતું સુજાતાની સાથે ઘરનાં લોકો કેવો વ્યવહાર કરતાં હતાં. શું કામ આ યુવાનો આંદોલન ચલાવતા હતાં. એનો ઉદ્દેશ શું હતો. શું આ આંદોલનકારી યુવાનો રસ્તો ભટકેલા હતાં કે પોતાનાં હક કે અધિકાર માંગતા હતાં. વ્રતી અને નંદિતા બંન્ને લગ્ન કરી લેવાનાં હતાં. પણ રાજનીતિમાં સામ-દામ-દંડ અને ભેદ આવે. એમ થોડાં દિવસ પહેલાં જ પક્ષપલટો કરીને આવેલો નીતૂનો એક અજાણ્યો પણ ગદ્દાર મિત્ર અનિદ્ય બાતમીદાર બન્યો. પાંચેય આંદોલનકારી પહેલાં ટોળાનો અને પછી પોલીસની ક્રુરતાનો ભોગ બન્યાં. ઘર ફૂટે ઘર જાય કહેવતની જેમ આ પાંચેય યુવાનો સરમુખત્યારશાહીનાં ભોગ બન્યાં. કહેવાતી લોકશાહીની ક્રુર મજાક બની. સાચી માંગણીનો અનાદર થયો. અત્યાચાર થયો. રાજસત્તા પોતાનાં સત્તાનાં નશામાં આવી ક્રુરતા ના કરે તો જ નવાઇ. દરેક આંદોલનમાં બને છે એમ અહીંયા જેલમાં થતો અમાનુષી અત્યાચાર કેવો છે એનાં વર્ણનો નંદિતાને મુખે સુજાતા સાંભળે છે. હજાર હજાર વોલ્ટનાં લેમ્પ સીધાં જ આંખમાં પડતાં આંખો દષ્ટિ ગુમાવી દે છે. ભયંકર અને વર્ણવી ના શકીએ એવાં જુલ્મો આ લોકશાહીનાં અવાજ ઉઠાવનારા સાથે થાય છે. નંદિતા પણ એનો ભોગ બની છે. એની આવા જ એક ત્રાસદીને કારણે એક આંખમાં અંધાપો આવી ગયો છે. તો બીજી આંખ પણ સાવ ઓછું કામ કરી રહી છે. સાંજ નામનાં ત્રીજા પ્રકરણમાં આ ઘટનાઓ જોઇ શકાય છે.
        રાત શીર્ષકનાં ચોથા પ્રકરણમાં મહેફિલ છે. દિવ્યનાથનાં કુટુંબમાં લગ્નનો પ્રસંગ-કહો કે રંગીન મિજાજની પાર્ટી. સાસુ ઉપર જ ઉતરેલી ક્રોધી અને કામુક કલેશકારિણી અને સ્વાર્થી દીકરી તુલીનાં લગ્ન પ્રસંગની વાત આવે છે. વિદેશમાં રહેતાં ટોની કાપડિયા સાથે લગ્નપાર્ટીનું આયોજન. એક તરફ દીકરીનાં લગ્ન તો બીજી તરફ તાજા જ સમાચાર તરીકે દીકરા વ્રતીનાં મૃત્યુનાં પણ સમાચાર છે. રાતની પાર્ટીમાં સૌ કોઇ વ્રતીને ભૂલી જાય છે. પણ મા કેમ ભૂલે એને સફેદ સાડી પહેરી છે. સૌ કોઇ એની નો6ધ લે છે પણ બીજી એનાં કપડાં અને તૈયાર કેમ થયેલી છે એ રીતનાં. પિતા દીકરા વ્રતીને જલ્દી ભૂલી ગયો છે. પણ જેનાં કોઠામાં કાચું પિંડ બંધાયું હતું અને જે કુટુંબમાં સ્ત્રી એટલે જાણે કે બાળકો જણવાનું મશીન જ. ભોગ્યા કે શરીર જ. એની સામે સુજાતાનું માતા હોવાનું સંવેદનશીલ ચિત્રણ લેખિકાએ અદભૂત રીતે કર્યું છે. બે સામસામા પ્રસંગો-ઘટનાઓ એક કરુણરસની તો બીજી લગ્નની આનંદરસની છોળો ઉડે છે. દારુ અને વિસ્કી ચિકન સૂપ અને ભાત ભાતની મીઠાઇઓનાં રસથાળ. ડાંસ ને કિસ્સ પાર્ટીમાં સૌ ભાન ભૂલ્યા છે. પણ એક કરુણકેન્દ્રી પાત્ર છે માતા સુજાતા. પિતા પથ્થર દિલનો ને માતા એકવીસ વર્ષ પહેલાંનાં વ્રતીનાં જન્મનાં  ભીનાં સંસ્મરણોને યાદ કરતી. ગુરુ પુરોહિત પત્રકાર અને બીજાઓની વચ્ચે અટવાયેલી સુજાતા ઉપર શું વિતતું હશે  જે તુલીનાં લગ્ન થાય છે. એ ક્યારેય સુજાતાનાં પક્ષમાં રહી જ નથી. બીજો જે અત્યારે હયાત નથી તે વ્રતી હરહમેંશ સુજાતાનાં પક્ષમાં ઉભો છે. મોટો દીકરો જ્યોતિ બીજા કોઇનામાં બિલ્કુલ રસ લેતો નથી. પત્નિ બીના અને પુત્ર સુમન સાથે મહેફિલ માણે છે. બીજી લગ્ન થયેલી દીકરી નીપા પતિ અમિત કરતાં વધુ ફોઇનાં દીકરા સાથે રંગીલી રાતની મજા માણે છે. સૌને માટે પોતીકા સ્વાર્થનો આનંદ છે. દુખિયારી છે માત્ર માતા સુજાતા. પ્રકરણને અંતે ..(લેખિકાનાં શબ્દોમાં જ જોઇએ તો....)
        આ આક્રંદ બોદું નથી. એમાં ભળેલી છે-રક્તની ગંધ. બદલાની પ્રતિજ્ઞા અને શોકની આતુરતા.
        પછી બધે જ અંધકાર-સુજાતાનું શરીર લથડી પડે છે. દિવ્યનાથ ચીસ ઉઠ્યા- લાગે છે એપેંડિક્સ ફાટી ગયું.
આમ ચોથા પ્રકરણનાં આવા કરુણ વર્ણન સાથે નવલકથાનો અંત. દીકરા વ્રતી અને માતા સુજાતાનું પણ અવસાન. એ રીતે આ નવલકથા એ ક કરુણરસની કથા બને છે. હદયને હચમચાવી દે એવી કથા છે. મા-દીકરાનાં દુખ પીડા વ્યથા વિષાદ અને શલ્યની કથા છે. ચાર પ્રકરણમાં સુંદર રીતે ગોઠ્વાયેલી અને ગૂંથાયેલી ચિત્તસ્પર્શી લઘુનવલ બને છે.
વર્ણનો-
        કોઇપણ નવલકથા એ વિ-વર્ણનાત્મક કથા સ્વરુપ છે. લંબાણથી અને રસિકશૈલી લાવવાર્થે વર્ણનો સર્જક અને સર્જનને સહાયક બને છે. કથા કહેવાની છે પણ નવીશૈલીથી. વર્ણનો નવલકથાનાં પાત્ર કે પ્રસંગ પ્રકરણ કે કથાપિંડને રસપ્રદ બનાવે છે. હજારચોર્યાસીની મા નવલકથા એ ઉચ્ચ-મધ્યમવર્ણનાં ચેટર્જી કુટુંબની કરુણકથા છે. પુરુષપ્રધાનતા સામે એક સ્ત્રીની વેદના-સંવેદનાની કથા છે. કથાનાં ઉપાડમાં જ સુજાતાને ત્રેપન વર્ષ થયાં છે. દીકરાનાં મૃત્યુનાં સમાચાર મળે છે. પણ આજથી બરાબર એકવીસ વર્ષ પહેલાં દીકરા વ્રતીનાં જન્મ સમયનાં સંસ્મરણો સાથે આ કુટુંબની માનસિકતાનો પરિચય થાય છે. સુજાતાની આ ચોથી પ્રસુતિ છે. ક્યારેય એનો પતિ સાથે કે પાસે પણ રહ્યો નથી. કરુણતા તો એ છે કે નોકરાણી હેમ સાથે રહે છે. સાસુ જેવી જ દીકરી તુલા સામે પણ હારી ગયેલી માતા છે. કથાને અંતે તુલીનાં મંગલપ્રસંગની વેળા સમય-સંજોગો-સંઘર્ષ ને સમસ્યાઓથી ઘેરાયેલી સુજાતાનું શરીર લથડે છે. કથાનો અને નાયિકા સમાન સુજાતાનો પણ કરુણ અંત આવે છે. અનેક વર્ણનો કથાને જીવંત અને રસિક બનાવે છે. જુઓ.
         થાણાનાં વર્ણનો / ચાર માળનાં બંગલામાં રહેતાં પરિવારનાં બે ભાગ / સાસુનો દબદબો / દીકરા વ્રતીનાં મુત્યુનાં સ્માચાર બીજે દિવસે છાપે ના ચડે એ માટે દોડધામ કરતો દિવ્યનાથ / સુજાતાનાં ભૂતકાલિન સંસ્મરણો / મધ્યાહને સ્વ.સમુને ઘેર પહોંચ્યા ત્યાં બનેલાં બનાવનાં કરુણરસ પ્રધાન વર્ણનો / સમુ અને વ્રતી ઉપરાંત એનાં અન્યમિત્રો એક ગદ્દાર મિત્ર બાતમીદાર બને/ ક્રુરતા અને અમાનુષી રીતે હુમલાઓનો ભોગ બન્યાં એ વર્ણનો / નંદિનીની સાથે સાંજે થયેલાં અનુભવનાં વર્ણનો / દીકરા વ્રતીનાં અધિકાર-હક્ક માટેની લડતનાં સાથીદાર મિત્રોની વાતોનાં વર્ણનો / થાણામાં સિપાહી દ્વારાં થતાં અમાનુષી અત્યાચાર / ચોથા પ્રકરણમાં રાત્રિનાં પાર્ટી પ્રસંગોનાં રંગદર્શી વર્ણનો / મસ્તી અને મહેફિલની સાથે ખાવા-પીવાનાં વર્ણનો... - નવલકથાને અંતે માતા સુજાતાનું દીકરાનાં મૃત્યુ બાદ કરુણ અવસાન.. પાત્ર અને પ્રસંગોનાં બહુધા કરુણરસદાયક વર્ણનો છે.
         વ્રતી વિજિન પાર્થ સમુ અને લાલટુનાં કરુણ અવસાન. નંદિતાની પોલીસ થાણામાં થયેલાં ટોર્ચરથી આંખની દષ્ટિ ગુમાવવી તો એકનાં એક દીકરા સમુની બેરહમીથી ક્રુરતાથી હત્યા. બે દીકરા અને બે દીકરી સાથે પતિ એમ ભર્યુભાદર્યું કુટુંબ પણ વ્રતી જ વધુ સુજાતાની નજીક રહ્યો છે. એ બધાનાં વર્તન-વ્યવહારથી સતત દુખાતી રહેતી માતા સુજાતાનું ચિત્રણ કરુણ છે. આમ અનેક વર્ણનોમાં કરુણદાયક વાર્તાવરણ નવું જ મનોપ્રદેશમાં વાચક-ભાવકને લઇ જાય છે. કહી શકાય કે-હજારચોર્યાસીની મા નવલમાં આવતાં નાના-મોટાં વર્ણનો હોય કે પછી પાત્રગત વર્ણનો કે પ્રસંગગત વર્ણનો કે ચારેય પ્રકરણની ક્રમશ ઘટનાઓ-બનાવોનાં વર્ણનો ચિત્તને હલબલાવી જાય છે. આ કથાનો કરુણરસ હદયપ્રદેશ ને ચિત્તપ્રદેશમાં લાંબાસમય સુધી અસર મૂકી જાય છે. (શિષ્યવૃત્તિ માટે ત્રણ વર્ષ પહેલાં અધિકાર-હક્ક માટેની લડત લડતાં સ્વ.રોહિત વેમુલા યાદ આવી જાય છે. એમની માતાની પણ કરુણદશા સુજાતાતુલ્ય બની ઘેરા આઘાતની તિવ્ર લાગણી મનોપ્રદેશમાં મૂકી જાય છે.)
સંવાદ અને સંઘર્ષ-
શીર્ષક-
સમાપન-
     આ મૂળે તો બંગાળીભાષા-સાહિત્યની રચના છે. માતા-દીકરાનાં કરુણજીવન સંઘર્ષ અને સંવેદનાની કથા છે. જ્ઞાનપીઠ જેવા યશસ્વી એવોર્ડથી સન્માનિત સ્વ.મહાશ્વેતા દેવીની અગ્નિગર્ભ જેવી જ આ હજારચોર્યાસીની મા એક સામાજિક-રાજનૈતિક-સામ્રાજ્યવાદી-સત્તામદાંધ અને અધિકારવાદની સામે પોતાનાં મૌલિક અધિકાર માંગતા યુવાનનાં અકારણ અને અમાનુષી અત્યાચારની નવલકથા છે. આ નવલ મા-દીકરાનાં કરુણ મૃત્યુની કથા છે. સાહિત્યનું કામ સમાજની વર્ણ-વર્ગ-જાતિ-જ્ઞાતિગત સમસ્યાઓમાંથી સમાધાન શોધીને સકારાત્મક સોચ વિકસાવવાનાં દીપક-દર્પણધર્મ નિભાવવાની છે. નિસ્પૃહા દેસાઇએ કરેલો અનુવાદ આસ્વાદય છે. જેમ અગ્નિગર્ભ નકસલવાદી સમસ્યાનું આલેખન કરતી કથા છે. રુદાલી કરુણસમાજની સાંસ્કૃતિક પરંપરાની કથા બને છે. એમ હજારચોર્યાસીની મા પોતાનાં મૌલિક અધિકાર માટે લડતાં માતા સુજાતાનાં દીકરા વ્રતીનાં જીવનાંત-કરુણાંતિક કથા છે.    
   


















                                             

Comments

Popular posts from this blog

ખંડકાવ્ય સંજ્ઞા અને સ્વરુપ ઘટકતત્વો-લક્ષણોની

  એકમ-1ખંડકાવ્ય સંજ્ઞા અને સ્વરુપ ઘટકતત્વો-લક્ષણોની ચર્ચા.        15 ગુણ.                                    એકમ-2 ખંડકાવ્યનો ઉદભવ અને વિકાસરેખા તેમ જ નવપ્રસ્થાનયુગનાં ગુજરાતી ખંડકાવ્યો. 15 ગુણ. એકમ-3 સ્વરુપ-તુલના(નવલિકા/એકાંકી/સોનેટ અને પ્રસંગકાવ્યો સાથે ખંડકાવ્યની તુલના)     20 ગુણ. એકમ-4 ખંડકાવ્યમાં ટૂંકનોંધ (વિષયવૈવિધ્ય / ચરિત્રચિત્રણ / સંઘર્ષ / ચિંતન/   પુરાકલ્પન)    20 ગુણ.   https://drive.google.com/file/d/1awcHWtn9hKhyzR5cK8qeJfBPIdCdxcIF/view?usp=sharing